એક પ્રવૃત્તિ શાસ્ત્રી-આચાર્યની પરીક્ષાઓનું સરકારશ્રી વતી સંચાલન હતું. શાસકીય નિયમને અનુસરીને ૧૯૯૦ના દસકામાં સરકારશ્રીને પરત કર્યું. હાલમાં પરિષદ્ વ્યવસાયલક્ષી કર્મકાંડ અને જ્યોતિષની ડીપ્લોમાં અને સર્ટીફીકેટ પરીક્ષાઓ સંચાલિત કરે છે. આ ઉપરાંત શાલેય છાત્રોને માટે પ્રબોધ થી પ્રાજ્ઞ સુધીની આઠ પરીક્ષાઓ જેનો વિપુલ પ્રમાણમાં લાભ લેવાય છે. આ બધી પરીક્ષાઓમાં ચંદ્રકો તથા પારિતોષિકોની વ્યવસ્થા છે. સંસ્થા વ્યાખ્યાનો, પરિસંવાદ, સંસ્કૃતમાં વક્તૃત્વ, શ્લોકગાન, સંસ્કૃત વાર્તાકથન, સંસ્કૃત નાટ્યવાચન, ગીતામુખપાઠ વગેરેની સ્પર્ધાઓ યોજે છે જેમાં વિજયપદ્મ અને પારિતોષિકોની વ્યવસ્થા છે. આ સાથે સંસ્કૃત નાટ્યમંચન, સંસ્કૃત મંડલગાન ( ગરબા )ની સ્પર્ધાઓ પણ યોજાય છે, તેમાં પણ વિજયપદ્મ અને પારિતોષિકો આપવામાં આવે છે. પરિષદ્ સંસ્કૃત નાટકો રંગમંચ પર ભજવે છે. આકાશવાણી પરથી પણ સંસ્કૃત નાટકો તથા અન્ય સંસ્કૃત કાર્યક્રમો પ્રસારિત કરવામાં પણ અમૂલ્ય યોગદાન આપે છે. સંસ્કૃત ક્લબ શરુ કરીને સંસ્કૃતના અનુરાગીઓને સંસ્કૃતાભિમુખ કરવામાં આવે છે. તે સાથે છાત્રો તથા શિક્ષકો માટે સંસ્કૃતના વર્ગો, ઓપવર્ગો, નવીકરણ વર્ગો વગેરે નિઃશુલ્ક યોજવામાં આવે છે. શાળાના શિક્ષકો માટે સંસ્કૃત માર્ગદર્શન કેન્દ્ર ચાલુ કરવાની પણ એક યોજના છે. શ્રી બ્રુહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્ સંસ્કૃતના નવરચિત પુસ્તકોનું પ્રકાશન કરે છે, જેમાં નાટકોને લગતા પુસ્તકો વિપુલ પ્રમાણમાં છે. આ ઉપરાંત સંસ્કૃતને લગતાં અન્ય પુસ્તકો પણ પ્રકાશિત થયેલા છે. આ સંસ્કૃત પરિષદ્ “साम्मनस्यम्” નામનું સંસ્કૃત મુખપત્ર પ્રગટ કરે છે અને તે નિઃશુલ્ક મોકલવામાં આવે છે. આ પરિષદ્ શાળા-પાઠશાળાના સંસ્કૃતના અધ્યાપકો અને ખ્યાતનામ, લબ્ધપ્રતિષ્ઠ તથા નીવડેલા સંસ્કૃતના વિદ્વાનો અને પંડિતોનું સાદર સન્માન કરે છે. આ સાથે ધુરીણ વિદ્વાનોને મહામહીમોપાધ્યાયની માનદ્ પદવી પ્રદાન કરે છે. અત્યાર સુધીમાં સ્વામી શ્રી ભગવદાચાર્યજી, શ્રી. કે.કા. શાસ્ત્રી, ડો.એસ્તરબેન સોલોમન, પં. ભગવતીપ્રસાદ પંડ્યાને તે માનદ પદવી પ્રદાન કરવામાં આવી છે.

  • શાસ્ત્રી-આચાર્ય સુધીની પરીક્ષાઓ જેને સરકારશ્રીની માન્યતા મળી છે. મુસ્લિમ તથા ખ્રિસ્તી છાત્રો પણ તેનો લાભ લીધેલ હતો.
  • વર્ષમાં બે વાર સપ્ટેમ્બર તથા ફેબ્રુઆરીમાં લેવાતી પ્રબોધ થી પ્રાજ્ઞ સુધી શાળાકીય પ્રચાર–પ્રસાર પરીક્ષાઓ જેનો લાભ આજ સુધી ૧૬ લાખથી પણ વધારે છાત્રોએ લીધો છે. આ બંને પરીક્ષાઓમાં ચંદ્રકો અને અન્ય પારિતોષિકોની યોજના છે.
  • વ્યાખ્યાનો, પરિસંવાદ, સંસ્કૃતમાં વક્તૃત્વ, શ્લોકગાન વગેરે સ્પર્ધાઓમાં પારિતોષિકોની યોજના છે.
  • કર્મકાંડ અને જ્યોતિષની પરીક્ષા.
  • નવી શૈલીના નવા નવા સંસ્કૃત નાટકોની રજૂઆત.
  • મુખપત્રનું પ્રકાશન.
  • માનદ પદવી પ્રદાન.
  • વેદ મુખપાઠ સ્પર્ધા.
  • સંસ્કૃત નાટ્ય સ્પર્ધા (કોલેજો,શાળાઓ તથા પાઠશાળા માટે).
  • સંસ્કૃત ગરબા સ્પર્ધા (કોલેજો તથા શાળાઓ માટે).
  • સંસ્કૃતના વિદ્વાનો, પંડિતો તથા પ્રચારકો વગેરેનું સન્માન.
  • વિદ્વાનોના પરિસંવાદો, ચર્ચાસભા, નિબંધલેખન, કાવ્યપૂર્તિ વગેરે સ્પર્ધાઓ.
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત શિક્ષણના વર્ગો.
  • સંસ્કૃત વ્યાકરણ ઓપવર્ગ.
  • વૈદિક મંત્રો/કેટલાક વિધિઓ અને સંસ્કૃત નાટકોનું ધ્વનિમુદ્રણ.